16/07/2012


                                                       ગાંધીનગર સહિત રાજ્યભરમાં સોમવારથી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની સ્થળ પસંદગી કેમ્પ શરૂ કરાયા છે, પરંતુ કેમ્પમાં શિક્ષકો પાસેથી માત્ર અસલ પ્રમાણપત્રો લઈ લેવા સિવાય કોઈ કામગીરી ન કરાતાં રોષની લાગણી ફેલાઈ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના દબાણને વશ થઈ રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ સ્થળ પસંદગીની કામગીરી પડતી મૂકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

                                                       સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોને સ્થળ પસંદગી માટે સોમવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં પણ કેમ્પ યોજાયો હતો, પરંતુ આ કેમ્પમાં છેલ્લી ઘડીએ સરકારના મૌખિક આદેશને પગલે સ્થળ પસંદગીની કામગીરી પડતી મૂકવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા સોમવારથી સ્થળ પસંદગીના કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી અને તે પ્રમાણે શિક્ષકોને પણ કેમ્પની વિગતો આપી દેવાઈ હતી.

                                                       બીજી તરફ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સ્થળ પસંદગીની કામગીરી શરૂ ન કરવા સરકાર પર દબાણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શુક્રવારે રાજ્યના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ આખું ચિત્ર બદલાઈ ગયું હતું અને આ દબાણને વશ થઈને સરકારે સ્થળ પસંદગી મોકૂફ રાખવી પડી છે.