19/05/2012


 શિક્ષણ સમાચાર ( સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો ?


તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા આયોગ ગાંધીનગર દ્વારા ક્લાર્કની પંદરસો જેટલી જગાઓ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે. સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી માટેની કદાચ આ પહેલી જાહેરાત હશે. આ ઉપરાંત ભારતીય સ્ટેટ બેંક, દેના બેંક સહિત અનેક બેંક્સ દ્વારા મદદનીશ, સહાયકો, ક્લાર્કસ વગેરેની જગાઓ ભરવાની છે. આ બધી જગ્યાઓ માટે અસંખ્ય ઉમેદવારોએ અરજીઓ કરી હશે. માત્ર ગુજરાત ગૌણ સેવા આયોગની કારકુનની પરીક્ષામાં પોણા ત્રણ લાખ કરતાં પણ વધુ ઉમેદવારો પોતાના ફોર્મ્સ ભરી સરકારી નોકરી મેળવવા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જે જગાના પ્રમાણમાં લગભગ ૨૦૦ ગણા છે એટલે કે એક જગા માટે ૨૦૦ ઉમેદવાર મેદાનમાં છે. આમ આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં તીવ્ર હરીફાઇનો સામનો કરવો પડશે ત્યારે યુવાનોએ શું શુ કાળજી રાખવી, પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી તે માટેની કેટલીક ટિપ્સ જોઇએ

(1) પરીક્ષા માટેની ધગશ : કોઇ પણ ટાસ્કને સારી રીતે પાર પાડવા ગમે તેટલી સારી મહેનત હોવા છતાંય જો તમારામાં ધગશ નહીં હોય તો તેમાં સફળતા મળવામાં ભારે મુશ્કેલી પડશે. તેથી પરીક્ષા પાસ કરવાનો જીવનમંત્ર ન બનાવતાં તેમાં ટોપ પર રહેવાની ધગશ રાખશો અને તે પ્રમાણે મહેનત કરશો તો સફળ થશો      

(2) સમય : પરીક્ષાની તૈયારી માટે ચોક્કસ સમય ફાળવવો જરૃરી છે કારણ કે આ કોઇ કોલેજની પરીક્ષા નથી અને અહીં માત્ર પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય નથી. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાની સાથે સાથે ટોપ પર રહેવાની જરૃર છે. પરીક્ષાની તૈયારી માટે એક ચોક્કસ સમય ફાળવી તે પ્રમાણે પદ્ધતિસરનું આયોજન કરવું જરૃરી છે. અહીં તમારા મિત્રો સાથે જ તમારે સ્પર્ધા કરવાની છે તેથી પરીક્ષાના દરેક વિષય મુજબ ટાઇમ ટેબલ બનાવો. નબળા વિષયોમાં વધુ સમય ફાળવો. તેવા વિષયોની મિત્રો સાથે ચર્ચા કરો, તેમની સલાહ લો, માર્ગદર્શન મેળવો. તમારા પ્રોફેસર્સ કે સલાહકાર કે અગાઉ સફળ થયેલા તમારા મિત્રોની પણ સલાહસૂચન મેળવી શકો છે. પુસ્તક અને સાહિત્ય ભેગું કરી નાખ્યું, સમય ફાળવાઇ ગયો પણ પ્રારંભ જ ન કર્યો તો સરવાળે મીંડું જ કહેવાય. પરીક્ષાની તારીખ પહેલાં જ આયોજન કરી તૈયારીનો પ્રારંભ કરો. આટલા બધા ઉમેદવારોમાં આપણો ક્યાં ગજ ખાવાનો તેવા નિરાશાવાદી કે નકારાત્મક વિચારો છોડી દો, તેને મનમાંથી કાઢી નાખો અને પરીક્ષાની તૈયારી એક હકારાત્મક અભિગમ સાથે કરો. પરિણામની ચિંતા ના કરો. ઘણી વાર ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાન ખોઇ દેતા હોઇએ છે.

 (3) પરીક્ષાનું સાહિત્ય : સામાન્ય રીતે ઘણા યુવાનો પરીક્ષાના આગલા દિવસે જ વિષયની જાણકારી મેળવતા હોય છે અને આવા જ યુવાનો જ્યારે સફળ થતા નથી ત્યારે પરીક્ષાની પદ્ધતિ સામે બળાપો કાઢતા રહે છે. પરીક્ષાની તૈયારીના ભાગ રૃપે અગાઉની પરીક્ષાનાં પેપર્સ ભેગા કરવા, વિષયવાર સાહિત્ય, પુસ્તકો, સિલેબસમાં જણાવ્યા મુજબનાં પુસ્તકો ભેગાં કરવા, અભ્યાસક્રમની માહિતી મેળવવી, મિત્રો સાથે સાહિત્યની આપ-લે કરવી, વિચાર-વિમર્શ કરવો, ચર્ચા કરવી, હેતુલક્ષી સવાલ-જવાબ તૈયાર કરવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી શોર્ટકટ પદ્ધતિ ન અપનાવો, ચોરી કરવાનો ખ્યાલ પણ મનમાંથી કાઢી નાખો, તેમ કરવા જતાં કાયમી રીતે સરકારી નોકરી માટેની તક ગુમાવી દેશો. સવાલ- જવાબ તૈયાર કરતી વખતે માત્ર અધિકૃત પુસ્તકો કે માહિતીના આંકડા જ માન્ય રાખતા હોવાથી તેવુ સાહિત્ય મેળવવું. સરકારી પુસ્તકો, માહિતીઓ, લેખો, સરકારી આંકડાઓ વગેરેને પ્રથમ પ્રાધાન્ય આપવું, અને તે પ્રમાણે માહિતીઓનું વિશ્લેષણ કરવું. 

(4) પરીક્ષાના સમયે : પરીક્ષાના સમયે કોલલેટરની સાથે મળેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી જાવ. તે સમયે મગજને શાંત રાખો. રાતના ખોટા ઉજાગરા ના કરો. મિત્રો સાથે ચર્ચા કરો. કોઇ પણ જાતના ગભરાટ કે ચિંતા વગર પરીક્ષા આપવા જાવ.