12/06/2012


શિક્ષણ સંસ્થાની પસંદગી કરતાં આટલું પગમાં જોવું
એચ.એસ.સી.નાં પરિણામ આવી ગયાં છે. પરિણામ બાદ કારકિર્દીની પસંદગી મોટી સમસ્યા હોય છે. કોઇ પણ કારકિર્દી પસંદ કરવામાં આવે પરંતુ તે કારકિર્દી માટેની શિક્ષણ સંસ્થાની પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે.

આજે ઇજનેરી કોલેજો ઘણી થઇ ગઈ છે. એડમીશન મેળવવું પહેલાં કરતાં ઘણું સહેલું થઇ ગયું છે પરંતુ ભણતર ઘણું મોંધું થઇ ગયું છે. આવા સમયે સંસ્થાની પસંદગી કરતી વખતે ફકત ફીનો વિચાર ના કરતાં બીજાં ઘણાં પાસાંઓનો વિચાર કરવો ખૂબ જરૂરી છે. ફકત પૈસા કમાવાના આશયથી ખૂલી ગયેલી કોલેજો વિદ્યાર્થીઓનું હિત જોવાને બદલે પોતાનું હિત વધારે જુવે છે.
મેનેજમેન્ટ શીખવતી ઘણી સંસ્થાઓ ખૂલી ગઈ છે પણ ફકત પૈસા કમાવાના આશયથી ખૂલેલી આવી કોલેજોમાં જ ઘણી વખત મેનેજમેન્ટનો ફભાવ જોવા મળે છે.

કોલેજનું મહાન વૈભવશાળી હોવું જરૂરી નથી પણ ત્યાં અપાતા શિક્ષણની કવોલીટી ઉચ્ચ કક્ષાની હોવી જરૂરી છે. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનો શિક્ષકગણ આપી શકે છે. માટે જ કોલેજની ફેકલ્ટી વિષે જાણવું ખૂબ જરૂરી છે. પૈસા બનાવતી કોલેજોમાં ઘણી વખત ઉચ્ચ કક્ષાની ફેકલ્ટીનો અભાવ હોય છે અને બિનઅનુભવી વ્યકિતઓને ઓછા પગારે રોકવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષણ મળતું નથી.

ફેકલ્ટી પછી સંસ્થામાં લેબોરેટરી અને તેનાં સાધનો વિષે જાણકારી મેળવવી જરૂરી છે. નામ ખાતર તૈયાર કરેલી લેબોરેટરીમાં પૂરતાં સાધનો હોતાં નથી પરિણામે વિદ્યાર્થીઓને પ્રેકટીકલ કરવા મળતા નથી અને તેમની આવડતનો વિકાસ થતો નથી. વિદ્યાર્થીને લેબોરેટરી અને વર્કશોપનો પૂરો અનુભવ મળે તેવી ઇજનેરી કોલેજમાં જ એડમીશન લેવું જોઈએ.

લેબોરેટરી અને વર્કશોપ પછી કોલેજની લાઇબ્રેરી પણ કેટલી સમૃઘ્ધ છે તેની જાણકારી મેળવવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓને ખરેખર જ્ઞાન મેળવવું છે, આવડત મેળવવી છે તેઓને પુસ્તકોનો સહારો લેવો જ પડે છે. દરેક વિદ્યાર્થી બધાં જ પુસ્તકો ખરીદી ન શકે. પુસ્તકો ઘણાં મોંઘા થતાં જાય છે. ત્યારે વિદ્યાર્થીઓને લાઇબ્રેરીનો સહારો લેવો જ પડે છે. લાઇબ્રેરીમાં અભ્યાસને લગતાં મેગેઝીન્સ અથવા જર્નલ્સ આવતાં હોવાં જરૂરી છે. આ જર્નલ્સને કારણે ઇજનેરી ક્ષેત્રે, મેનેજમેન્ટ ક્ષેત્રે શું નવું આવી રહ્યું છે, નવી થીયરીનો કેવી રીતે ઉપયોગ થઇ રહ્યો છે, નવી શોધો કઇ થઇ છે વિગેરેની જાણકારી મળે છે.

જે વિદ્યાર્થીઓને ફકત ગમે તે રીતે ડીગ્રી મેળવી લેવી છે તેઓને માટે કોલેજમાં પ્રયોગશાળા, વર્કશોપ અને લાઇબ્રેરીની અગત્યતા હોતી નથી પરંતુ એ વિદ્યાર્થીઓને ખરેખર પ્રગતિ કરવી છે. મહેનતથી અને ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેઓ માટે કોલેજોની અથવા સંસ્થાની સગવડો ખૂબજ જરૂરી હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે સંસ્થાની પૂરી ચકાસણી કરવી એ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. સંસ્થાનાં આકર્ષક પેમ્ફલેટ ઉપર આધાર રાખવાને બદલે સંસ્થાની વ્યકિતગત મુલાકાત લેવી ખૂબ જરૂરી છે.
ઘણી સંસ્થાઓ વિદ્યાર્થીઓને આકર્ષવા ખૂબ આઘુનિક નામ ધરાવતા અભ્યાસક્રમો શીખવવાને દાવો કરતી હોય છે પરંતુ ઘણી વખત આવા અભ્યાસક્રમો શીખવવા કોઇ અનુભવી ફેકટરી હોતી નથી અને તેને લગતી પ્રયોગશાળાનો પણ અભાવ હોય છે.
શિક્ષણ સંસ્થાની સંચાલન વ્યવસ્થાની જાણકારી પણ જરૂરી છે.

શિક્ષણ સંસ્થાનું કઇ વ્યકિતઓ સંચાલન કરી રહી છે, સમાજમાં તેઓનું સ્થાન શું છે. શિક્ષણ સંસ્થા ચલાવવાનો તેઓને આશય શું છે અને સંસ્થાની પ્રગતિ કેવી થઇ રહી છે. સંસ્થાના નિર્ણયો કેવી રીતે અને કોના દ્વારા લેવાય છે. આ જાણકારી દ્વારા સંસ્થા કેટલી શિક્ષણલક્ષી અને વિદ્યાર્થીલક્ષી છે તેનો ખ્યાલ આવે છે.

શિક્ષણ સિવાય સંસ્થા દ્વારા વિદ્યાર્થીના વિકાસ માટે કેવી વિશિષ્ટ પ્રવૃત્તિઓ પ્રયોજવામાં આવે છે. દા.ત. ઇન્ડસ્ટ્રી વીઝીટ, સેમીનાર, પ્રેજન્ટેશન અને કોમ્યુનીકેશન સ્કીલ માટેની વિશિષ્ટ તાલિમ, ઇન્ટરવ્યુ અને ગુ્રપ ડીસ્કસન માટેની તાલિમ વગેરે આજના આઘુનિક જમાનામાં અને હરીફાઈના જમાનામાં ફકત પુસ્તકિયું જ્ઞાન કારકિર્દીમાં મદદરૂપ થતું નથી. પરંતુ વ્યકિતત્વના વિકાસલક્ષી અભ્યાસની પણ જરૂરી છે અને જે સંસ્થા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરે છે તે સંસ્થા ઉત્તમ છે.

શિક્ષણ સંસ્થા વિદ્યાર્થીની નિયમિતતા માટે, હાજરી માટે જેટલી સમતાઇ રાખે છે તે વિદ્યાર્થીના જ હિતમાં છે. જે સંસ્થા વિદ્યાર્થીને ખુશ રાખવા માટે તેઓની હાજરીની, નિયમિતતાની દરકાર કરતી નથી તે ખરેખર વિદ્યાર્થીનું અહિત કરે છે. વિદ્યાર્થીની અશિસ્ત ચલાવી લેતી સંસ્થાઓ, વિદ્યાર્થીના ડરે વિદ્યાર્થીના માતાપિતાને અથવા ગાર્ડીયનને તેની ગેરહાજરી અને અનિયમિતતાની જાણકારી ના આપતી સંસ્થાઓ વિદ્યાર્થીનું અહિત કરે છે. ઉચ્ચ શિક્ષણ માટે નિયમિતતા અને મહેનત ખૂબ જ જરૂરી છે.